kaman - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કેમ કરીને ઠેલવાં કામણ

કેમ કરીને ઝેલવાં?

કાળજાં કેમ ઉકેલવાં સાજણ

કેમ રે છાનાં મેલવાં?

આંખથી કશું તબક દઈ તબકી જાતું,

ઊડતું વાદળ ભીતર ના કેમેય સમાતું

ગોપવવાં તે કેમ રે આંસુ

કેમ કરીને રેલવાં,

કેમ રે છુટ્ટાં મેલવાં?

વાય હવામાં ગંધ મદીલી હળુક હળુ,

આમ જાણીતી આમ અજાણી કેમ રે મળું!

છોગલાં છુટ્ટાં છેલનાં

સાળુ કેમ કરી, સંકેલવા,

સાળુ શીદ હવે સંકેલવા?

સ્રોત

  • પુસ્તક : જળના પડઘા (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સર્જક : હરિકૃષ્ણ પાઠક
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 1995