dariyani chhati par Dholatun jay ewun yayawar gan chhiye aapne - Geet | RekhtaGujarati

દરિયાની છાતી પર ઢોળાતું જાય એવું યાયાવર ગાન છીએ આપણે

dariyani chhati par Dholatun jay ewun yayawar gan chhiye aapne

ધ્રુવ ભટ્ટ ધ્રુવ ભટ્ટ
દરિયાની છાતી પર ઢોળાતું જાય એવું યાયાવર ગાન છીએ આપણે
ધ્રુવ ભટ્ટ

દરિયાની છાતી પર ઢોળાતું જાય એવું યાયાવર ગાન છીએ આપણે

સમદરને પાર જેનાં સરનામાં હોય એનાં વણજાણ્યાં નામ છીએ આપણે

હોવું તો વાદળિયા શ્વાસ જેવી વાત જેની ધરતીને સાંપડી સુગંધ

આપણો તો કલબલનો એવડો પ્રવાસ જેની એકે દિશા હોય બંધ

સમદરની છોળ જેમ સમદરમાં હોય એમ આપણો મુકામ છીએ આપણે

...યાયાવર ગાન છીએ આપણે

પાંખમાં ભરીને ચલો આખું આકાશ કોઈ તગતગતા સરોવરમાં ઢોળીએ

ભાંગતા કિનારાનું ભાંગે એકાંત એવી કલબલતી કોઈ વાત બોલીએ

માળાનો હોય નહીં આપણને સાદ સાવ ટૂંકાં રોકાણ છીએ આપણે

...યાયાવર ગાન છીએ આપણે

સ્રોત

  • પુસ્તક : ધ્રુવગીત (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સર્જક : ધ્રુવ ભટ્ટ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2021