અનુભૂતિ
Anubhuti
જગદીશ જોશી
Jagdish Joshi

પાંદડી તે પી પીને કેટલું રે પીશે
કે મૂળિયાંને પડવાનો શોષ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
જળમાં વરસ્યાનો અફસોસ?
એક પછી એક મોજાં આવે ને જાય
એને કાંઠે બેસીને કોણ ગણતું?
વાદળના કાફલાનું ગીત અહીં લ્હેરખીમાં
રેશમનો સૂર રહે વણતું;
ઉઘાડી આંખે આ જાગતા ઉજાગરાને
આઘાં પરોઢ આઠ કોશ!
નીંદરતી આંખમહીં ઊમટીને ઊભરાતું
જાગે છે સપનાનું ટોળું,
કિરણોની એક એક કાંકરીઓ નાખીને
જંપ્યું તળાવ નહિ ડ્હોળું
આખા આકાશને ઓઢીને ઠરવાનો
જળને છે ઝીણો સંતોષ!



સ્રોત
- પુસ્તક : ધારો કે એક સાંજ આપણે મળ્યા... (પૃષ્ઠ ક્રમાંક 32)
- સર્જક : જગદીશ જોષી
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1998
- આવૃત્તિ : 1