Utsahe Utsahe - Geet | RekhtaGujarati

ઉત્સાહે ઉત્સાહે

Utsahe Utsahe

નર્મદ નર્મદ
ઉત્સાહે ઉત્સાહે
નર્મદ

ઉત્સાહે ઉત્સાહે,

શુભ સ્વતંત્રતાને ગાને

ઉર પ્રફુલ્લ કરિ અભિમાને, સમરરંગ રમવાને ધાએ

સુભટ સહુ ઉત્સાહે ઉત્સાહે.

ઉઠીને શસ્ત્ર સજે સહુ વીર, કરી કૂચ રણમાં રેહ ધીર;

અરીને દાખે તે નિજ નીર, દઈને થોડાં લે બહુ શીર;

પડે પણ સ્વતંત્રતાનું હીર, રાખજો વારસને કહે વીર

સુભટ સહુ ઉત્સાહે ઉત્સાહે.

સ્ત્રિયો પણ ઉમંગમાં સોહાય, ટળીને દાસ છુટા રેવાય;

ઉંચાં સુખ ત્યારે સહુ લેવાય, ભણે એમ સર્વે માંહો માંય;

વિજોગે આપણને દુઃખ થાય, તોએ સુખ આશાનું સોહાય

સુભટ સહુ ઉત્સાહે ઉત્સાહે.

સકળજન બંધનથી રીબાય, વળી દુઃખ રણે પડ્યાનું થાય;

કહોજી કિયું ગમતું કહેવાય? થશે શું વીર અમર ન લખાય;

જીતે શું દાસપણું નવ જાય? શૂર નવ કાયર તે રીબાય

સુભટ સહુ ઉત્સાહે ઉત્સાહે.

જિતે નરનાર નુરે રંગાય, સહૂ જણ ઉદ્યમમાં દેખાય;

કળા વિદ્યા વિધવિધ દિપાય, નિતે સુખ જસાળ વધતાં થાય;

જગતમાં સ્નેહ શૌર્ય ઝળકાય, નર્મદા દેશ ઘણો વખણાય

સુભટ સહુ ઉત્સાહે ઉત્સાહે.

સ્રોત

  • પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 144)
  • સંપાદક : રમેશ મ. શુક્લ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ