Utho Utho Sajo Juddh Mando - Geet | RekhtaGujarati

ઉઠો ઉઠો સજો જુદ્ધ માંડો

Utho Utho Sajo Juddh Mando

નર્મદ નર્મદ
ઉઠો ઉઠો સજો જુદ્ધ માંડો
નર્મદ

ઉઠો ઉઠો સજો જુદ્ધ માંડો, હો ઉઠો ઉઠો.

આપણી શ્રીના પરજન ભોગી, સાંખી રહેવું શું એ દહાડો; હો ઉઠો૦

આપણે દાસ બીજા ધણીયાતા, ત્રાસ થકી છે આંક આડો; હો ઉઠો૦

આપણિ દાઝે નથી કોઈ રાજા, કરવો ક્યમ ન સંપ ઘાડો; હો ઉઠો૦

સરવ મળી જો ખંતથી ઘુમો, નકી રણે રિપુ પાડો; હો ઉઠો૦

એક જશે ને આવશે બીજો, હવે સંતોષને છાંડો; હો ઉઠો૦

નત્ય બંધનથી થવા મુક્ત ઝૂઝી, જુક્તિ નવી નવી કહાડો; હો ઉઠો૦

નર્મદશંકર જય જય વાણી, સ્વતંત્રતાશું લાડ લાડો; હો ઉઠો૦

સ્રોત

  • પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 145)
  • સંપાદક : રમેશ મ. શુક્લ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ