ઊઠો હઠીલાજી! ભાણે બેસો ને
utho hatilaji! bhaane beso ne
મધુસૂદન પટેલ
Madhusudan Patel

ઊઠો હઠીલાજી! ભાણે બેસો ને હવે માણી લો મનગમતા કોળિયા,
કરો નીચા આ મૂછોના થોભિયા.
નેવે મુકીને નાક ઘરમાં પધારીએ તો દેખીતી વેણી દેખાય નહિ,
લુશલુશ દસબાર ભલે ઉતારી જઈએ, એ કોળિયાનું લોહી કદી થાય નહિ,
ઓસરીના કાન સુણે એમ જરા મોટેથી વાળુ, ચળું ને કરો ઓહિયાં.
વેલાને માંડ માંડ હાલરડે પોઢાડ્યો, વેલીને બાએ કહી વારતા,
જાગો જરાક તો હું સંભળાવી દઉં આજ, કેવાં ભાભોજી ઢોર ચારતા!
તમને જરાય નથી શોભતી આ રીસ, મારા મનડાની મેડીના ભોમિયા.
ટણિયુંની તાપણિયું ઠારો ને ઓઢી લો પ્રેમેથી પાતળી રજાઈ,
સાગ અને સીસમના ઢોલિયાય તરસે છે ત્રણ દીની તરસી તળાઈ,
પાંપણ ઢાળીને મેં તો અંતરની ઓરડીએ ઢાળ્યા છે મહુડાના ઢોલિયા.



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ