bhiksha dene re maiya pingla - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભિક્ષા દેને મૈયા પીંગલા

bhiksha dene re maiya pingla

વાઘજી આશારામ ઓઝા વાઘજી આશારામ ઓઝા
ભિક્ષા દેને મૈયા પીંગલા
વાઘજી આશારામ ઓઝા

રાગ ભરથરીનો.

(જનુંની જીવોરે ગોપીચંદની -એ રાગ.)

પીંગલા—

ધીક યુવા ધીક મુજને, ધીક કામ વિકારજી;

જેણેરે ભુવાની મુને સત્યથી કર્યા નીચ વિચારજી;

ભેખરે ઉતારો રાજા ભરથરી.

ક્ષમા કરોરે રાજા રંકછું, નારી અજ્ઞાન જાતજી;

અન્ય વખત આવું નહીં કરૂં, લાજ્યાં માતને તાતજી;

ભેખરે ઉતારો રાજા ભરથરી.

ભર્તૃહરી—

કપટ રૂપી રાણી પીંગલા, એશું બોલે વચનજી;

રાજરે તજ્યું તુજ કારણે, જો વિચારીને મનજી;

ભિક્ષા દેને મૈંયા પીંગલા,

તુંરે ખોટી ખોટું રાજ છે, ખોટો સારો સંસારજી,

અલખ જગાવું વને એકલો, જેથી પામું ઉધારજી;

ભિક્ષા દેને મૈયા પીંગલા.

પીંગલા—

રહોરે રાજા રસોઈ કરૂં, જમતા જાઓ સ્વામીનાથજી,

ક્ષીરરે નીપજાવું ક્ષણ એકમાં, જમીએ આપણ સાથજી;

ભેખરે ઉતારો રાજા ભરથરી.

મઢીરે કરાવું રંગ મોહલમાં, રાખું ગુપ્ત અવાસજી;

જેમરે જાણે નહીં જગતમાં, સાધો જોગ રહી પાસજી;

ભેખરે ઉતારો રાજા ભરથરી.

ભર્તૃહરી—

મેહેલરે તારાને રાણી શું કરૂં, કેવો ગુપ્ત અવાસજી,

ક્ષીરરે ભોજન તારૂં રાણી શું કરૂં, નથી ભોગની આસજી;

ભિક્ષા દેને મૈયા પીંગલા.

વાસી જંગલના જોગી અમે, નહીં ગ્રામમાં વાસજી,

વિષની વેલીથી અળગો રહું, નહીં નારીનો પાસજી;

ભિક્ષા દેને મૈયા પીંગલા.

પીંગલા—

ભગવાં જોઈ રાજા ભરથરી, દાવાનળ દીલ થાયજી;

માઈ કહો મારા કંથજી, લાગે દેહમાં લાયજી;

ભેખરે ઉતારો રાજા ભરથરી.

ભર્તૃહરી—

વધુરે શું વદું રાણી પીંગલા, કરૂં અરે કેટલો ઉચારજી;

બધુ જેવોરે બંધુ તજ્યો, માર્યો વચનનો મારજી;

હવેરે રાજને રાણી હું શું કરું.

પીંગલા—

વાંકીરે વીંધતા મુંને ભુલવી, લખીયા લેખ તેં લલાટજી;

આનુંરે પ્રાયશ્ચિત હવે હું શું કરું, મારગ આપો પૃથ્વી માતજી;

ભેખરે તારો રાજા ભરથરી.

ત્રણંસો નારીરે અન્ય આપની, માલવપતિ મહારાજજી;

એકને કારણે એને નવ તજો, પાપી પીંગલાને કાજજી;

ભેખરે ઉતારો રાજા ભરથરી.

ભર્તૃહરી—

મોહ છોડી દે રાણી પીંગલા, પ્રીતે કરી સત્સંગજી;

સગુંરે નથીરે કોઈ કોઇનું, સંસાર પતંગજી;

ભિક્ષા દેને મૈયા પીંગલા.

દેતી હુંતો ભિક્ષા દે મુને, નહીંકર કરૂં ગ્રહ ત્યાગજી;

ગુરૂજી મારારે રોષે થશે, ચાલી જાય જમાતજી.

ભિક્ષા દેને મૈયા પીંગલા.

સ્રોત

  • પુસ્તક : ભર્તૃહરિ નાટકનાં ગાયનો (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : વાઘજી આશારામ ઓઝા
  • પ્રકાશક : મૂળજી આશારામ ઓઝા
  • વર્ષ : 1906