tuteli Dalkhinan phool - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તૂટેલી ડાળખીનાં ફૂલ

tuteli Dalkhinan phool

અરવિંદ વેગડા અરવિંદ વેગડા
તૂટેલી ડાળખીનાં ફૂલ
અરવિંદ વેગડા

ખીલવું છે તોય હવે ખીલીએ રે કેમ?

અમે તૂટેલી ડાળખીનાં ફૂલ.

વીતેલા આયખાનું રોજ રોજ ગાવાનું

બેસૂરું અધ્ધરિયું ગાણું,

ટેરવામાં બેસીને નીતરતા અંગૂઠે

પાથરું રે કેમ અજવાળું

આવવું છે તોય હવે આવીએ રે કેમ?

તમે રસ્તાની ધખધખતી ધૂળ...

ખીલવું છે તોય હવે ખીલીએ રે કેમ?

અમે તૂટેલી ડાળખીનાં ફૂલ

ઘૂંઘટને ઘૂંટીને ટોડલાએ બાંધેલા

અવસરનું એક એક પાનું,

રાતીછમ્મ વેદનાને અંતરમાં ઠેલીને

નીગળતો ચૈતર થૈ છાનું

ઊગવું છે તોય હવે ઊગીએ રે કેમ?

અમે તૂટેલાં વિખરાતાં મૂળ...

ખીલવું છે તોય હવે ખીલીએ રે કેમ!

અમે તૂટેલી ડાળખીનાં ફૂલ.....

સ્રોત

  • પુસ્તક : પંગેરું (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : અરવિંદ વેગડા
  • વર્ષ : 2022