tunko pagaarii - Geet | RekhtaGujarati

ટૂંકો પગારી

tunko pagaarii

ગોપાલ ધકાણ ગોપાલ ધકાણ
ટૂંકો પગારી
ગોપાલ ધકાણ

ભરચક બજારેથી સડેડાટ નીકળી હું, ખાલીખમ્મ હાથે પરબારી,

મારો પિયુ સાવ ટૂંકો પગારી.

છૂટ્ટા બેઉ હાથે એમ વેરી દેવાય ના, જોવાનું એકએક પાસું,

સંઘરીને રાખ્યાં છે મોતીડાં જાણીને પાંપણની નીચે બે આંસુ.

ઇચ્છાના નામે એક છોકરું છે કાખમાં ને સામે રમકડાંની લારી.

મારો પિયુ સાવ ટૂંકો પગારી.

નાની હથેળી વળી ટૂંકો છે હાથ એમાં ફાટફાટ કેમ કરી ભરીએ?

પાંચદસ ગજની બસ મારી ઓરડીમાં સપનાને ક્યાં ક્યાં સંઘરીએ!

રાજીના રેડ થઈને પાથરતી આવું હું વિના ઓશીકે પથારી.

મારો પિયુ સાવ ટૂંકો પગારી.

નવોનક્કોર એક સાડલોયે રાખ્યો મેં રૂડા અવસરિયાને મ્હાલવા.

આપણને દોડવું જરીયે ના પાલવે મથીએ બસ સંગાથે ચાલવા.

ઝાંખા પડી જાય સઘળા દાગીના મેં સેંથીને એવી શણગારી.

મારો પિયુ સાવ ટૂંકો પગારી.

સ્રોત

  • પુસ્તક : અજવાળું દીઠ્યું મધરાતે
  • સર્જક : ગોપાલ ધકાણ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2024