તું તો પાંથીમાં પુરવાનું નામ
tun to paanthimaa prvaanun naam
હિતેશ વ્યાસ
Hitesh Vyas

અંતરના આંગણિયે સીંચેલા અક્ષરને મહેંદીમાં મળશે મુકામ
તું તો પાંથીમાં પુરવાનું નામ.
ખોટું શુ બોલું હું અંગો પર મારા કઈ કેટલીય આંખો મંડાય છે,
તારી આ આંખોથી વરસે છે આદરને એટલે આ હૈયું ભીંજાય છે
દોડીને થાકેલા જીવતરમાં આવેલો તુતો છે મારો વિરામ
તું તો પાંથીમાં પુરવાનું નામ.
ફૂલોની પાંદડિયે નિરાંતે પોઢેલા ઝાકળને લાગે છે જેવું
છાતી પર તારી હું માથું મૂકું છું ત્યારે લાગે છે બસ એવું
વર્ષોથી જાણે હું બંધાઈ હોઉં અને છોડાવા આવ્યા હો રામ
તું તો પાંથીમાં પુરવાનું નામ.
જોગણનું હોય જેમ ઈશ્વરને માટે કંઈ એવું સમર્પણ થઈ જાય છે
એટલે આ ઘટનાને લોકો કહે છે કે પ્રભુતામાં પગલાં મંડાય છે
તારા આ ઉંમ્બર પર કંકુની છાપ થઈ પગલાંને મળશે આરામ
તું તો પાંથીમાં પુરવાનું નામ.



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ