tun minDhal jewo kaththan - Geet | RekhtaGujarati

તું મીંઢળ જેવો કઠ્ઠણ

tun minDhal jewo kaththan

વિનોદ જોશી વિનોદ જોશી
તું મીંઢળ જેવો કઠ્ઠણ
વિનોદ જોશી

તું મીંઢળ જેવો કઠ્ઠણ

ને હું નમણી નાડાછડી,

તું શિલાલેખનો અક્ષર

ને હું જળની બારાખડી...

એક આસોપાલવ રોપ્યો-

તેં આસોપાલવ ફળિયે રોપ્યો તોરણમાં હું ઝૂલી,

તું અત્તરની શીશી લઈ આવ્યો પોયણમાં હું ખૂલી;

તું આળસ મરડી ઊભો

ને હું પડછાયામાં પડી...

એક પાનેતરમાં ટાંક્યું

મેં પાનેતરમાં મોતી ટાંક્યું પૂજ્યાં તેં પરવાળાં,

મેં શ્રીફળ ઉપર કંકુ છાંટ્યું પૂછ્‌યા તેં સરવાળા;

તું સેંથીમાં જઈ બેઠો

ને હું પાંપણ પરથી દડી...

સ્રોત

  • પુસ્તક : પ્રતિપદા (પૃષ્ઠ ક્રમાંક 114)
  • સંપાદક : ડૉ. મોહન પટેલ
  • પ્રકાશક : પ્રશાંત પટેલ, યોગેશ પટેલ
  • વર્ષ : 2015