tun jarak jo to, ali! - Geet | RekhtaGujarati

તું જરાક જો તો, અલી!

tun jarak jo to, ali!

વિનોદ જોશી વિનોદ જોશી
તું જરાક જો તો, અલી!
વિનોદ જોશી

તું જરાક જો તો, અલી!

આ સાવ નવા નક્કોર કંચવે પડી ગઈ કરચલી...

ઘસી ઘસીને ચાંદો આઠે અંગ આજ હું ન્હાઈ,

વડલા હેઠે ડિલ લૂછતાં બની ગઈ વડવાઈ;

હું હવા વગર હલબલી!

ખરબચડા ધબકારે ધકધક છાતલડી છોલાઈ,

શરમ સમેટી પાલવડે હું પાંપણમાં સંતાઈ;

હું મટી ગઈ મખમલી!

કમળકટોરી લઈને અમથી સરવરિયે રોકાઈ,

પરપોટો પરપોટો રમતાં પરવાળે ખોવાઈ;

હું તળિયામાં છલછલી!

સ્રોત

  • પુસ્તક : ખુલ્લી પાંખે પિંજરમાં (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સર્જક : વિનોદ જોશી
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2023