toy tun ajani - Geet | RekhtaGujarati

તોય તું અજાણી

toy tun ajani

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
તોય તું અજાણી
રાજેન્દ્ર શાહ

તને જોઈ જોઈ તો તું અજાણી

(જાણે) બીજને ઝરુખડે ઝૂકી'તી પૂર્ણિમા

ઝાઝેરો ઘૂમટો તાણી...

વ્યોમ ને વસુંધરાની કન્યા કોડામણી,

તું તો છે સંધ્યાની શોભા સોહામણી,

લોચને ભરાય તો દૂર દૂર ધામની,

વાયુની લ્હેર સમી અંગને અડી છતાં

બાહુને બંધ ના સમાણી...

પોઢેલો મૃગ મારા મનનો મરુવને,

જલની ઝંકોર તારી જગવી ગૈ એહને;

સીમ સીમ રમતી તું ના'વતી જરી કને,

સાબરનાં નીતરેલ નીર તું ભલે હો, આજ

મારે તો ઝાંઝવાંનાં પાણી....

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 175)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004