toy ma te ma! - Geet | RekhtaGujarati

તોય મા તે મા!

toy ma te ma!

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
તોય મા તે મા!
ઝવેરચંદ મેઘાણી

અપમાનિતા-અપયશવતી તું : તોય મા તે મા!

પરવશ-પરાજિત લથડતી તું : તોય મા તે મા!

તુજ પરાજયની ધૂળને

ધરશું અમારે મસ્તકે :

ચરણો વીંધાયલ કંટકે ચૂમી લઈશું, મા!

મધરાત મારગમાં પડી.

આકાશ ઝીંકે છે ઝડી :

તું મૂર્છિતા ને આંધળી : દોરી જઈશું, મા!

તુજ ખોળલા ભરિયલ હતા,

ત્યાં લગી મીઠા લાગતા!

ખાલી પડી! -આપી ખતા ચાલ્યા જાશું, મા!

ચાલ્યા જનારા છો જતા-

અણસમજના શા ઓરતા!

પણ તને ઠોકર મારતા ક્યમ જવા પામે, મા!

તું તો નવલ યુદ્ધે ચડી,

આલમ બધી જોવા ખડી :

તે સમે તારી ઠેકડી કપૂતો કરશે, મા!

હીણાયલી-રોળાયલી તુ : તોય મા તે મા!

જે હતી તે-ની તે છે તું દિલ અમારે, મા!

રસપ્રદ તથ્યો

‘જન્મભૂમિ' માટે ધારાસભાની ચૂંટણી વેળા.

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997