tithisar! - Geet | RekhtaGujarati

તિથિસાર!

tithisar!

વીરુ પુરોહિત વીરુ પુરોહિત

પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી!

ત્રીજે મારે બીલીપત્ર પર ચહેરો ચીતરી નાખ્યો જી!

ચોથે ચમકી વીજળી, પાંચમ ‘પિયુ પિયુ’ પોકાર જી,

છઠ્ઠે મારું ભીતર તું ભીંજવતી અનરાધાર જી!

મેઘધનુષ્યની પણછ તૂટીને સાતમ રંગફુહાર જી!

આઠમ કળી કમળની, તારા શરીરનો શણગાર જી!

નવમીનો ક્ષય, તડકો નીકળ્યો, અમને ફૂટી પાંખો જી;

પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી!

તોરણ બાંધી દશે દ્વાર પર અમને લખિયો કાગળ જી!

“અગિયારસના શુભ અવસર પર તમે વધેરો શ્રીફળ જી!

બારસ ખુલ્લા બાજુબંધ ને તેરસ ભીડી ભોગળ જી!

ચૌદ ભુવનની તું મહારાણી, ચરણ ચાંપતાં વાદળ જી!

પૂનમનો મેં ભરી વાડકો મને કહ્યું કે ‘ચાખો જી!'

પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતા ચયન 1993 (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1995