tiikhal - Geet | RekhtaGujarati

કેસૂડાને વેષે મને ભૂલવી જંગરીએ.

ઘેલછાની મારી દોડી ગૈતી ડુંગરીએ.

એટલુંયે સાંભર્યું ના, પોષ નથી બેઠો

ત્યાં ક્યાંથી ફાગણની વેળા?

ચારે બાજુએ મારી ટીખળ કરંત

ભોંય ઢાંકીને પાંદડાં ખરેલાં.

આંખ્યું વાળીને ઘેર પાછાં સંચરીએ!

ઝંખનાનું જાદુ અલી એવું, કે હોય નહિ,

બારણે ટકોરો તોય વાગે;

ખોટાયે બોલના સહારે હૈયામાં

હારોહાર ઓરતા જાગે.

ઘડી ઘડી જઈએ ઠગાઈ, રે શું કરીએ?

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 79)
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ