thodo ek tadko - Geet | RekhtaGujarati

થોડો એક તડકો

thodo ek tadko

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
થોડો એક તડકો
ઉમાશંકર જોશી

થોડો એક તડકો ઢોળાઈ ગયો આભથી.

કાળાં ભમ્મર હતાં વાદળાં છવાયાં,

છૂપા હતા દૂર દૂર રવિરાયા,

સાંજની ઢળી હતી ઘનઘેરી છાયા.

ઓચિંતી આવી વાયુલહરી કહીંયથી,

થોડો એક તડકો ઢોળાઈ ગયો આભથી.

તરુઓની ડાળીઓએ પડતો ઝીલ્યો,

પાંદડાંની લીલી કટોરીઓમાં ખીલ્યો.

ઊ઼ડતાં પંખીની પાંખ કહે : કો ભરી લ્યો!

કૈંક મારે હૈયે ઝીલ્યો મેં મથી મથી.

થોડો એક તડકો ઢોળાઈ ગયો આભથી.

સ્રોત

  • પુસ્તક : ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 85)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2012
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ