ઠીક છે મારા ભાઈ,
આ તો કરવા ખાતર કરીએ બધું, સ્મિત પ્હેરીને ફરીએ વધુ,
બાકી તો સંબંધોમાં જ્યાં જુઓ ત્યાં ઠેકઠેકાણે
હોય છે ઊંડી ખાઈ!
ઠીક છે મારા ભાઈ...
રોજ ઉડાડી જાતના લીરા લાગીએ સવાલાખના હીરા,
ઠાવકા રહી બોલીએ એવું જળમાં જાણે પાડીએ ચીરા,
સાવ રે ઠાલાં પગમાં છાલાં, તોય પ્હેરીને ફરતા રહીએ
બુટની ઉપર સૂટ ને પાછી હોય ગળામાં ટાઈ!
ઠીક છે મારા ભાઈ...
રોજ પળેપળ બદલી લઈએ કેટલાં ચ્હેરાં, કેટલાં મ્હોરાં?
દરિયે છપાક્ ડૂબકી મારી નીકળી જઈએ સાવ રે કોરા,
મૂકવું પડે, ઝુકવું પડે, ગમતું બધું ફૂંકવું પડે
તોય ભેજામાં લઈને ફરીએ કેટલી કેટલી રાઈ!
ઠીક છે મારા ભાઈ...
હૂંફને જરીક ઝીલીએ ત્યાં તો આપણું આખું તળિયું તૂટે,
ટેરવાં ઘડીક ટહુકે ત્યાં તો મૂળમાંથી આંગળિયું તૂટે,
કેટલું કેટલું હોય ખોવાનું, હાથવગું તો હોય રોવાનું, તોય ફરીફરી
કો’ક મજાના ગીતની માફક જિંદગી આખ્ખી ગાઈ!
ઠીક છે મારા ભાઈ...
સ્રોત
- પુસ્તક : વાંસલડી ડૉટ કૉમ (પૃષ્ઠ ક્રમાંક 58)
- સર્જક : કૃષ્ણ દવે
- પ્રકાશક : પોતે
- વર્ષ : 2016
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ