thiibnii aachhii aanch - Geet | RekhtaGujarati

ઠીબની આછી આંચ

thiibnii aachhii aanch

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
ઠીબની આછી આંચ
રાજેન્દ્ર શાહ

ઠીબની આછી આંચમાં હૂંફાળ ગારનું લીપ્યું ઘર,

હિમટાઢા અંધારમાં થીજ્યું બ્હારનું ચરાચર.

ઓઢણે એકઠી આણી જાત

ઝીલું મસ જામતી માઝમરાત.

કોઈની ત્યાં હિલચાલ હવાને હળવો હેલો લાગે,

ગરમાળાના ઘૂઘરામાં કંકાલની કણસ વાગે,

રહ્યું સહ્યું ખરતું પીળું પાન,

ઘડીભર

તમરાના કચવાટથી મુખર બનતું મૂગું રાન.

રાખનો વળ્યો થર કહીં તરડાય ને આંખ્યું ઊની,

સોણલાંનો સથવાર પામે ત્યાં રેણ લાગે સૂની.

સૂતાં ને કૂકડે કીધો પ્હોર.

લ્હેર્યું લે ઠાર

ને ફૂટે

કાંટાળિયા અંધારની ડાળે રતૂમડો અંકોર.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 61)
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ