થાય કે...
thay ke...
ઉશનસ્
Ushnas
ઉશનસ્
Ushnas
થાય કે જાણે આ ચોમાસું ખીણમાં પોઢી જઉં,
ઘાસની લીલી ચાદર આખી અંગપે ઓઢી લઉં;
નહિ તો પાદર તે દિન આવી ચાદર ક્યાંથી મળશે?
આટલી એકલતાળી ભાદર-ટાઢક ક્યાંથી વળશે?
થાય કે અહીંથી કાળમાં સ્થળમાં આગળ ક્યાંય ન જઉં-
ટેકરી તારા થાનના જેવી ટક્કોટક્ક ભરાઉં,
રોજની ટેવે છાંયમાં એની લપ્પાતોક ભરાઉં,
લીલી લીલી ઊંઘને આરે આયખું જાણે
અહીંયાં છોડી દઉં-
ટેકરીઓને આમથી અને તેમથી તાકી ર્હૌં,
ફૂલની ડોડી બીડી-કોઈ વ્હેમથી તાકી ર્હૌં,
હમણાં જાણે થાનનું તારું ફૂલ ઊઘડશે,
હમણાં ડોડી પાંખડિયા વીંટા ઊકલશે,
હમણાં જાણે એને આખી જ દીંટથી ચૂંટી લઉં...
થાય કે જાણે આ ચોમાસું-ખીણમાં પોઢી જઉં,
ઘાસની લીલી ચાદર આખી અંગપે ઓઢી લઉં.
સ્રોત
- પુસ્તક : સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 504)
- સર્જક : ઉશનસ્
- પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ, વલસાડ
- વર્ષ : 1996
