thak lage - Geet | RekhtaGujarati

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,

મેળાનો મને થાક લાગે;

મારે વહેતે ગળે હવે ગાવું

મેળાનો મને થાક લાગે,

ક્યાં છે વાયરાની પ્રાણભરી લ્હેરી?

ક્યાં છે નેહભર્યો સંગ સુનેરી?

ક્યાં નજરું કે જેણે મને હેરી?

સખી,અમથું અમથું કાં અટવાવું

મેળાનો મને થાક લાગે;

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,

મેળાનો મને થાક લાગે.

એના પાવાનો સૂર ક્યાંય હલક્યો?

એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો?

એના હોઠનો મરોડ ક્યાંય મલકયો?

કહો એવા વેરાને કેમ જાવું,

મેળાનો મને થાક લાગે,

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,

મેળાનો મને થાક લાગે.

(૧૯૬ર)

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ, મુંબઈ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : 2