થાંભલીનો ટેકો
thaambhaliino teko
વિનોદ જોશી
Vinod Joshi
વિનોદ જોશી
Vinod Joshi
થાંભલીનો ટેકો ને ઓસરીની કોર
કણબીની છોકરીએ પાળ્યો રે મોર... મોર ટહુકા કરે.
એણે પાંચીકા અમથા ઉલાળ્યા,
પછી છાતીમાં ટહુકાઓ પાળ્યા;
કાળજડું કાચું ને રેશમનો ભાર,
એનધેન પાંપણમાં નવસેરો હાર... હાર ઝુલ્યા કરે.
મોરપીંછાની વાત પછી ઊડી,
ઠેઠ સાતમે પાતાળ જઈ બૂડી;
ઊગમણી કેડી ને આથમણાં ગીત,
નીચી તે નજરું ને ઊંચી તે ભીંત... ભીંત ઝૂર્યા કરે.
પછી ડૂમો ઓઢીને રાત સૂતી,
બેઉ આંખો અંધારામાં ખૂંતી;
સૂનમન ફાનસમાં અજવાળાં કેદ,
નીંદરની વારતામાં ઢાંક્યા રે ભેદ... ભેદ ખૂલ્યા કરે.
સ્રોત
- પુસ્તક : ઝાલર વાગે જૂઠડી (પૃષ્ઠ ક્રમાંક 26)
- સર્જક : વિનોદ જોશી
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2015
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ
