ટેરવાં
Terva
વેણીભાઈ પુરોહિત
Venibhai Purohit
વેણીભાઈ પુરોહિત
Venibhai Purohit
ટેરવાં મૂંગાં ને એનો લાખેણો લલકાર
કસબી! લાખેણો લલકારo
ટેરવાંથી નાચે મારા
તંબૂરાના તાર ઝીણા,
નાચે રે વીણાના ઝનનન
ઝનનન ઝન ઝંકાર –
કસબી! ઝનન ઝન ઝંકાર–ટેરવાંo
છૂટે રે અંબોડે ધૂણે
જેવી કોઈ જોગણી રે,
ટેરવાંથી મંજીરા એમ
નાચે થૈથૈકાર –
કસબી! નાચે થૈથૈકાર–ટેરવાંo
ટેરવાંની ટીચકીથી
તબલાંનો તાલ નાચે,
તોડા ને મોડાની થાપી,
ધીંગો રે થડકાર –
કસબી! ધીંગો રે થડકાર–ટેરવાંo
ટેરવાંથી નાચે છૈયું,
હોઠ નાચે, નાચે હૈયું,
ટેરવાંની મૂંગી મૂંગી
સંગનામાં સાર –
કસબી! સંગનામાં સાર–ટેરવાંo
ટેરવાંથી નાચે મારા
બેરખાના પારેપારા,
ટેરવાં દેખાડે અનહદ
સોહમ્ ને સંસાર –
કસબી! સોહમ્ ને સંસાર–ટેરવાંo
ટેરવાં છે કામનાં ને
ટેરવાં છે રામનાં રે,
જેવી જેની તરસ એવો
છલકે પારાવાર –
કસબી! છલકે પારાવાર–ટેરવાંo
સ્રોત
- પુસ્તક : દીપ્તિ (પૃષ્ઠ ક્રમાંક 31)
- સર્જક : વેણીભાઈ પુરોહિત
- પ્રકાશક : વોરા ઍન્ડ કંપની પબ્લિશર્સ પ્રાઇવેટ લિમિટેડ, મુંબઈ
- વર્ષ : 1956
