ટેકરીનો નિસાસો
Tekari No Nisaso
મકરંદ દવે
Makrand Dave
મકરંદ દવે
Makrand Dave
પેલી લીલીછમ ટેકરીનો ટુકડો
નિસાસા હજી નાખે.
આવી આલીહાણ નગરી ને નગરીમાં ઠેરઠેર ઊભરાય માણાંહ,
ઠેકાણે પાડવાને એને આ રાતદિન ખડક્યે રાખીને ભાઈ, પાણા,
ટેકરીને મૂળમાંથી ખોદી નાખીને પછે ટેકરો ચણાવવાનાં ટાણાં,
થોડી લીલપ ક્યાંય બાકી રહે તો એને
કાચની દીવાલુંમાં રાખે! –
ઝાડવાંનાં માથાં ઉડાડીને રઘવાયું લોક જરા ક્યાંક ઝાડ રોપે,
છાપરાંને માથે ઇ કૂંડાં થાપે ને કિયે, કેવો બગીચો અહીં ઓપે!
બોલોને, જંગલનો દેવ પછે કાળઝાળ, એના પર કેમ નહીં કોપે?
લીલૂડી જિંદગીને સોરી નાખીને પછે
દંનનો દુકાળ સહુ ભાખે –
પેલી લીલીછમ ટેકરીનો ટુકડો
નિસાસા હજી નાખે.
સ્રોત
- પુસ્તક : કવિતા - જૂન, 1977 (પૃષ્ઠ ક્રમાંક 2)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
