tebho gunthayo mari anglina terwe, jiwatariyun gunthayun nai - Geet | RekhtaGujarati

ટેભો ગૂંથાયો મારી આંગળીના ટેરવે, જીવતરિયું ગૂંથાયું નૈ

tebho gunthayo mari anglina terwe, jiwatariyun gunthayun nai

ભરત ખેની ભરત ખેની
ટેભો ગૂંથાયો મારી આંગળીના ટેરવે, જીવતરિયું ગૂંથાયું નૈ
ભરત ખેની

ટેભો ગૂંથાયો મારી આંગળીના ટેરવે, જીવતરિયું ગૂંથાયું નૈ.

સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ...

સગપણના સૂતરથી સમણાંઓ ટાંક્યાં

પણ આભલામાં ઝબકારો નૈ.

કાપડે ભરી ભાત ભારે સોહામણી

પણ મોરલામાં ટહુકારો નૈ.

સખદખનાં ટેરવાંઓ માગે હિસાબ હું તો લોહીઝાણ ઝૂરતી રૈ.

સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ...

ઝમરકિયા દીવડાના ઝાંખા અજવાસમાં

ચાકળાને ચંદરવા જોતી,

ઓરતાઓ અંતરમાં સાવ રે અણોહરા

હું આણાં અભાગિયાંને રોતી.

વરણાગી સપનાંની લાંબી વણજાર મારી આંખ્યુંમાં ખૂંચતી રૈ,

સૈ, હું તો જીવતરિયું ગૂંથતી રૈ...

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ - એપ્રિલ-2019 (પૃષ્ઠ ક્રમાંક 17)