Tav Alake - Geet | RekhtaGujarati

પ્રિય, માલતીકુસુમ તવ અલકે

મંદ સુકોમલ મલકે.

નીલ સરોવરમહીં સવારે

ધવલ કમલ સમ ખીલ્યું,

એનું વિચિલય લોલ કિરણ

લોચનમાં ઝલમલ ઝીલ્યું,

ઝીલ્યું અપલક પલકે.

એને સ્પર્શ હવા પણ હરખ–

હિલોળો લઈને રમતી,

અહીં ત્યાં જાય વહી

અણસારે કહી વાત કંઈ ગમતી

દલદલ પરિમલ છલકે.

નજરમહીં નહીં ઇતર, લહું

કેવલ સ્મિત રમ્ય છવાયું;

શ્રવણ ભીતરનું સુણે એવું શું

ગગન સભર કરી ગાયું!

ગાયું અલૌકિક હલકે.

સ્રોત

  • પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981 (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ