tarnani jem mane fute chhe geet - Geet | RekhtaGujarati

તરણાંની જેમ મને ફૂટે છે ગીત

tarnani jem mane fute chhe geet

સુરેશ દલાલ સુરેશ દલાલ
તરણાંની જેમ મને ફૂટે છે ગીત
સુરેશ દલાલ

તરણાંની જેમ મને ફૂટે છે ગીત

અને ઝરણાંની જેમ જાય વહેતાં,

હરણાંની જેમ તો ભટકે છે બાવરાં

ને કહેવાનું કાંઈ નથી કહેતાં.

ગીતોમાં ઘૂઘવે છે ભૂરું આકાશ

અને સમણાંનો દરિયો ને રેતી,

કમળોને ખીલવાને એવી છે પ્યાસ

કે પાંદડીઓ ભમરાને ભેટી.

કોણ હવે ભમરો ને કિયા ભવે પાંદડી

ને કોનાં વમળ ને કોણ સહેતા!

મખમલિયો એક એવો છલક્યો છે બાગ

એમાં પંખી ને ઝાડ બધું એક,

ચંપો ને ગુલછડી સળગી ઊઠયાં, ને હવે

બાવળને મળી ગઈ મ્હેક.

કોની છે મીટ અને કોની છે પ્રીત

તમે પૂછો ને ચૂપ અમે બેઠા.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં : સુરેશ દલાલ (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સંપાદક : નિરંજન ભગત
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર
  • વર્ષ : 1980