taras - Geet | RekhtaGujarati

તરસ્યું હૈયા–હરણું!

દોડતું દશે દિશમાં વ્યાકુળ ઢૂંઢતું શીતલ ઝરણુ!

તરસ કેરા તીરથી ઘાયલ,

પલ વળે નહીં ચેન;

રાતથી લાંબો દિન થતો, ને

દિનથી લાંબી રેન!

પાગલ પાગલ ઢૂંઢતું ફરે કોઈ સોનાનું શમણું!

ધીકતી ધરા ચાર બાજુએ,

આભ ઝરે અંગારા;

શાપિત મૃગની ઘોર તૃષાના

ક્યાંય દેખાય આરા

રણ રેતીનું સળગે કેવળ, છાંય ધરે નહિ તરણું!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 70)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983