tane wahalo warsad ke hun? - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તને વહાલો વરસાદ કે હું?

tane wahalo warsad ke hun?

મુકેશ જોશી મુકેશ જોશી
તને વહાલો વરસાદ કે હું?
મુકેશ જોશી

મને સાચ્ચો જવાબ દઇશ તું?

તને વ્હાલો વરસાદ કે હું?

તને વરસાદી વાદળના વાવડ ગમે

કે મારા મળવાના વાયદા

તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે

કે છત્રીના પાળવાના કાયદા

મોરલાનું ટેંહુક ગમે

કે મારી કોયલનું કૂ.... તનેo

તને વરસાદી વાદળનું ચૂમવું ગમે

કે તરસી આંખોનું ઝૂરવું

હું ને વાદળ બે ઊભાં જો હોઈએ

તો, કોનામાં દિલ તારે મૂકવું

તને આભમાં રમતું વાદળ ગમે

કે દરિયાનો કાંઠો ને હું... તનેo

તને છોને વરસાદ હોય વ્હાલો પણ,

કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં

તને આટલું ચોમાસું વ્હાલું જો હોય

તો આંખો ભીંજાય કોની યાદમાં

આઠે મહિના મને આંખોમાં રાખે

ને ચોમાસે કહે છે જા છૂ..... તનેo

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 409)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004