tamne khaalii malvuun'tun - Geet | RekhtaGujarati

તમને ખાલી મળવું’તું

tamne khaalii malvuun'tun

અનિલ ચાવડા અનિલ ચાવડા
તમને ખાલી મળવું’તું
અનિલ ચાવડા

તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું;

નસમાં વહેતા શાંત લોહીને ઝરણા જેમ ઉછળવું’તું.

ના ના એવું ખાસ નથી,

પણ છાતી અંદર શ્વાસ નથી;

હમણાં હમણાંથી આંખોમાં

ટકતું બહુ આકાશ નથી.

આંખો અંદર આભ ભરીને મારે તો વાદળવું’તું.

તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

રુવાંટીઓ ક્યે, એ ફૂંકે ને

તો જ અમે ફરફરીએ;

એમનેમ મળવાની વાતો

અમેય થોડા કરીએ?

પાણી અંદર ઢેફું પીગળે એ રીતે પીગળવું’તું.

તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

ઘણી વાર આવ્યો છું મળવા

છેક તમારા ઘર લગ,

મને પૂછ્યા વિણ મને લઈને

ચાલી નીકળે છે પગ,

તમારી જ શેરીમાં પગને પણ જાણે કે વળવું‘તું,

તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ