તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો?
tame koii divas koiinaa premmaan padyaan chho

તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો?
tame koii divas koiinaa premmaan padyaan chho
મુકેશ જોશી
Mukesh Joshi

તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા
આખીય જિંદગી બળ્યા છો?
તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઈના
મારગથી કાંટાઓ શોધ્યા?
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઈના
તડકાઓ અંગ ઉપર ઓઢ્યા?
તમે એક વાર એનામાં ખોવાયા બાદ
કદી પોતાની જાતને જડ્યા છો?...તમે કોઈ દિવસ
તમે કોઈની આંખ્યુંમાં વીજના કડાકાથી
ખુદમાં વરસાદ થતો જોયો?
તમે કોઈના આભને મેઘધનુષ આપવા
પોતાના સૂરજને ખોયો?
તમે મંદિરની ભીંત ઉપર કોઈની જુદાઈમાં
માથું મૂકીને રડ્યા છો?...તમે કોઈ દિવસ



સ્રોત
- પુસ્તક : કાગળને પ્રથમ તિલક (પૃષ્ઠ ક્રમાંક 35)
- સર્જક : મુકેશ જોશી
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
- વર્ષ : 1999