tame kaho te – - Geet | RekhtaGujarati

તમે કહો તે –

tame kaho te –

સુરેશ દલાલ સુરેશ દલાલ
તમે કહો તે –
સુરેશ દલાલ

તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં!

ફાગણમાં શ્રાવણનાં જલને ઝીલી લ્યો અણધાર્યાં!

અમને એમ હતું કે તમને

વેણીનાં ફૂલો સંગાથે પ્રીતે ગૂંથી લેશું,

તમને એવી જીદ કે વનના છોડ થઈને રહેશું;

તમને કૈંક થવાના કોડ,

ને અમને વ્હાલી લાગે સોડ;

જરીકે તમારે સ્પર્શી અમે તો સાતે સ્વર ઝંકાર્યા,

તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં!

અમને એમ હતું કે સાજન

કલકલ ને કલ્લોલ ઝરે વ્હેણું થઈને વ્હેશું;

તમને એક અબળખા: એકલ કાંઠો થઈને રહેશું.

તમારાં અળગાં અળગાં વ્હેણ,

અમારાં એક થવાનાં ક્હેણ;

એકલશૂરા નાથ! અમે તો પળેપળે સંભાર્યા;

તમે કહો તે સાચું વ્હાલમ! તમે કહો તો હાર્યાં!

(૧૯૬૪)

સ્રોત

  • પુસ્તક : કાવ્યસૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સર્જક : સુરેશ દલાલ
  • પ્રકાશક : શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ
  • વર્ષ : 1986