tame kaale nai to - Geet | RekhtaGujarati

તમે કાલે નૈ તો

tame kaale nai to

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
તમે કાલે નૈ તો
હરીન્દ્ર દવે

તમે કાલે નૈ તો પરમદિવસે તો અહીં હશો,

ઘણા દી’થી હૈયે ઘર કરતું એકાન્ત હરશો.

તમારું થાકેલું શિર હૃદય ધારીશ, પ્રિય, ને

મીંચાયેલાં નેત્રો પર કર પસારીશ હળવે;

વધેલી હૈયાની ધબક સુણી ખોલી દગ તમે

હસી આછું હૈયાસરસી મુજને સદ્ય ધરશો.

તમારી લાવેલી કુમળી કળીની વેણી સમ

નિશાએ હૈયાનાં દલ ઊઘડશે, અંતર જશે,

તમારા હોઠેથી સુરભિ લઈ અર્પીશ સુરખી,

સ્વયં વીંટાઈ હું જઈશ અથરો થૈ કર વિશે.

તમારા આશ્લેષે રજની ક્ષણમાંહે વીતશે,

પરંતુ આજે તો ક્ષણ પણ વીતે યમ કરી :

તમારાં સ્વપ્નોમાં શયન, સ્મરણે જાગૃત બનું

હશો કાલે નૈ તો પરમદિન, આજે ટળવળું.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ