રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહરિ સાંજે આવ્યા’તા મારે આંગણે રે,
હતી માળા તે ફૂલની એને ગળે રે;
મારાં મનડાં લોભાણાં ફૂલમાળમાં રે,
મારી માગી લેવાની હાલી હામ ના રે
હાલી હામ ના રે – હરિ૦
હતી આશા, પરભાતે હરિ હાલશે રે,
માળા સેજલડી હેઠ પડેલી હશે રે;
વે’લી આવી ઊભી રહી ગરીબડી રે,
છતાં માગ્યાની જીભ નવ ઊપડી રે
નવ ઊપડી રે – હરિ૦
પછી માળા જાણીને ઝાલવા ગઈ રે,
ત્યાં તો દેખી તલવારને ડરી ગઈ રે;
જરા અડકી ને હાથ સસડી ગયા રે,
ધણી! ધગધગતાં વજ્ર મૂકીને ગયા રે
મૂકીને ગયા રે – હરિ૦
મને વનમાં વિહંગ બધાં ખીજવે રે,
‘અલી માળાઘેલુડી, લેતી જા હવે રે!’
હરિ! ક્યાં રે રાખું તમારાં દાનને રે?
હું તો શોધું સંતાડવાના સ્થાનને રે!
એવા સ્થાનને રે – હરિ૦
હરિ! શક્તિવિહોણી હું લાજી મરું રે,
મારા ઉરમાં તલવાર તારી સંઘરું રે;
હરિ! હૈયામાં રાખતાં ચીરા પડે રે,
છતાં રાખ્યા વિણ દાન તારાં શે રડે રે!
વા’લા! શે રડે રે – હરિ૦
હરિ! હૈયાને મ્યાન મૂકી તેગને રે,
હું તો ભે વિણ વીંધીશ ભવ-વાટને રે;
હરિ! આજૂથી મારે સકળ કારજે રે,
હજો તારા જેકાર! અભે રાખજે રે
અભે રાખજે રે! – હરિ૦
હવે બીજા શણગાર કરવા નથી રે,
શ્યામ! નહિ રે આવો તો પરવા નથી રે;
હવે આંસુ સારંતી ઘર-બારણે રે,
નથી ભાટકવું ક્યાંય તમ કારણે રે
તમ કારણે રે – હરિ૦
નાથ! તારી તલવાર લજવું નહિ રે,
દાન તારું દીધેલ તજવું નહિ રે;
હરિ! આપ્યું આયુધ, શુધ આપજો રે!
મારાં જોવાને જુદ્ધ જીવન આવજો રે!
સ્રોત
- પુસ્તક : કુમાર : ત્રીજા દશકાના પૂર્વાર્ધનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 7)
- પ્રકાશક : કુમાર કાર્યાલય લિમિટેડ
- વર્ષ : 1998