wirDo wirDo - Geet | RekhtaGujarati

વીરડે આછર્યાં આછાં પાણી

કે વીરડા કોણે ગાળ્યા રે લોલ,

વીરડે ચોખ્ખાં કેવાં ચોક

કે વીરડા કોણે વાળ્યા રે લોલ.

ડૂક્યાં ડૂક્યાં નવાણનાં નીર,

ભમ્મરિયાં ભાંગી ગયાં રે લોલ,

નદિયું સૂરજથી સંતાણી,

તળાવનેય તાગી જોયાં રે લોલ,

એક મારી હેલ્યુંનો ભરનારો

કે વીરડો રણીધણી રે લોલ.

વીરડેo

સમરથ સૂરજ સામે થૈને

કે વીર મારો ઝૂઝતો રે લોલ,

કાળે કળકળતે ઉનાળે

કે વીરડો દૂઝતો રે લોલ,

વીરડો મલકાતો છલકાતો

આવેલના આદર કરે રે લોલ.

વીરડેo

વીરડે નહિ કાદવ નહિ કાંપ

કે તળિયે મોતી ઝગે રે લોલ,

ભમ્મરિયે પાણી ઊંડાં જાય,

સીંચણ ક્યાં પોગતાં રે લોલ,

વીરડે ઊંડું છીછરું કાંઈ

કે છાતિયું છલછલે રે લોલ.

વીરડેo

વીર! તારા નાનકડા ઉરમાંહી

કે હેત શાં અભરે ભર્યાં રે લોલ,

તું તો ખોબલે ખાલી થાય ને

ખોબલે છલકી રિયો રે લોલ

વીરડે લાગ્યા કોઈ નિસાસા

કે વીરલો અમ્મર તપો રે લોલ.

વીરડેo

સ્રોત

  • પુસ્તક : ડાંગરનો દરિયો (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સર્જક : જયંતીલાલ સોમનાથ દવે
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1982