ટહુકાનું તોરણ
tahukaanun toran
મકરંદ દવે
Makrand Dave

પંખીના ટહુકાનું તોરણ બાંધે છે કોઈ
ઊગતી પરોઢને બારણે
આ તેજની સવારી કોને કારણે?
નાનકડા માળામાં પોઢેલા કંઠ, તારે
આભના સંબંધનો સૂર?
એકાદો તાર જરા ઢીલો પડે તો થાય
આખું બ્રહ્માંડ ચૂર ચૂર,
એવી ગૂંથેલ અહીં સાચની સગાઈ
એક તારાથી પંખીને પારણે
આ તેજની સવારી કોને કારણે?
પંખીના ટહુકાની પ્યાલીમાં પીઉં આજ
ઊગતી સૂરજની લાલી,
કોણ જાણે કેમ, એવું સારું લાગે છે, મારે
અંગ અંગ ખેલતી ખુશાલી,
આદિ-અનાદિનો ઝૂલે આનંદ કોઈ
ભૂલ્યા-ભુલાયા સંભારણે,
આ તેજની સવારી કોને કારણે?



સ્રોત
- પુસ્તક : ગુલાલ અને ગુંજાર (પૃષ્ઠ ક્રમાંક 47)
- સંપાદક : ઈશા-કુન્દનિકા
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2007
- આવૃત્તિ : પુનર્મુદ્રણ