તારું પ્હેલા વરસાદ સમું આવવું
taarun phelaa varsaad samun aavvun
રમેશ પારેખ
Ramesh Parekh

ફાગણની ઝાળઝાળ સુક્કી વેળામાં તારું પ્હેલા વરસાદ સમું આવવું.
હવે આંખોને કેમ રે ભુલાવવું.
બળતે બપ્પોર ભીનો પગરવ સુણીને
કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોનાં એવાં અંધાર્યાં વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા
ઓચિંતા ધોધમાર સામસામે આપણે ઊભાં રહ્યાંનું પૂર આવવું.
ફળિયે પલાશફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેલીમાંય એવી રેખાઓ
જેવી રેખા છે ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું
ફાગણની ઝાળઝાળ બળતી વેળામાં તારું પ્હેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું.



સ્રોત
- પુસ્તક : કવિતા : ઑગસ્ટ, ૧૯૬૯ (પૃષ્ઠ ક્રમાંક 44)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ