તારે રે દરબાર
taare re darbar
ભાસ્કર વોરા
Bhaskar Vora

તારે રે દરબાર, મેઘારાણા!
તારે રે દરબાર,
કોણ રે છેડે (ઓલ્યા) ગેલી વીણાના તાર?
તારે રે દરબાર.
વીજ બની ગઈ સુભગ નર્તિકા રૂપરૂપ અંબાર,
વાદળીઓના રમ્ય રાસમાં ચેતનના ચમકાર!
ઝાંઝરના ઝંકાર.
તારે રે દરબાર.
સાગર-સીમાડે કો ગાતું રાગ મેઘ-મલ્હાર,
પૂછે પ્રકૃતિ કઈ ગુફામાં સંતાડ્યા શૃંગાર!
શ્રાવણના શૃંગાર!
તારે રે દરબાર!
ઊઠ, ધરિત્રી! ઊઠ ગગનથી આવ્યો છે રે અસવાર,
પાનેતર પહેરી લે કરવા પ્રણયીનો સત્કાર!
ધન્ય ધન્ય અવતાર!
તારે રે દરબાર.



સ્રોત
- પુસ્તક : તારે રે દરબાર (પૃષ્ઠ ક્રમાંક 19)
- સર્જક : ભાસ્કર વ્હોરા
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
- વર્ષ : 2007