swtantrtani mithash - Geet | RekhtaGujarati

સ્વતંત્રતાની મીઠાશ

swtantrtani mithash

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
સ્વતંત્રતાની મીઠાશ
ઝવેરચંદ મેઘાણી

[ઢાળ: “ઊડી જા તું ગાફિલ ગાભરા! તારે અંતરે શી આંટી પડી’]

તારા નામમાં, સ્વતંત્રતા, મીઠી શી વત્સલતા ભરી!

મુરદાં મસાણેથી જાગતાં -એવી શબ્દમાં શી સુધા ભરી!

પૂછી જોજો કોઈ ગુલામને-

ઊઠ્યા કેવા ઓઘ એને મને

મળી મુક્તિ મંગલ જે દિને

એને કાને શબ્દ પડ્યો 'તું સ્વાધીન!’-શી ઓહો સુખની ઘડી!

એની આંખ લાલમલાલ: છાતીમાં છોળો છલકાઈ પડી!

-તારા નામમાં, સ્વતંત્રતા.

એને ભાન મુક્તિ તણું થયું

એનું દૈન્ય ક્યાં ટપકી ગયું?

એનું દિલગુલાબ ઝૂલી રહ્યુઃ

એના મસ્તકે નમવાનું ભૂલી આભ-શું માંડી આંખડી;

એની ઊર્મિ રાંક મટી રુડા જગબાગમાં રમવા ચડી.

-તારા નામમાં, સ્વતંત્રતા

પડું કેદખાનાને ઓરડે,

લટકુંયે ફાંસીને દોરડે,

લાખો ગોળી તોપ તણી ગડેઃ

તારો હાથ હોય લલાટ, તો ભલે આવે જુલ્મ તણી ઝડી!

તારું નામ હોય જબાન, તો શી છે ભીતિ, મારી માવડી!

-તારા નામમાં, સ્વતંત્રતા

કાળી રાત ચોગમ ઘૂઘવે,

લાખો શાપ બંધુજનો લવે,

વા’લાં વેરી થૈ રોવે-મૂંઝવેઃ

છૂપ્યા ચંદ્ર-સૂરજ-તારલા, મધસાગરે મારી નાવડી;

ત્યાંયે જોઉ દૂર ઝબૂકતી, તારા દ્વારની ઝીણી દીવડી.

-તારા નામમાં, સ્વતંત્રતા

મારા દેશનાં સહુ શોષિતો,

દુનિયાનાં પીડિતો તાપિતો,

ખૂણે ખૂણે ગાય તારાં ગીતોઃ

એનાં ભૂખ્યાં પેટ છતાં અને કેવી મોંઘી તું, કેવી મીઠડી!

એનાં બેડીબંધન તૂટશે, એવી આશે ખલ્ક બધી ખડી.

-તારા નામમાં, સ્વતંત્રતા

(1930)

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997