aekadun sapnun to hoy... - Geet | RekhtaGujarati

એકાદું સપનું તો હોય...

aekadun sapnun to hoy...

હિતેશ વ્યાસ હિતેશ વ્યાસ
એકાદું સપનું તો હોય...
હિતેશ વ્યાસ

છાંટોય પાણી પાયું હો એવા પણ બીજનેય ઉગવું તો હોય,

એકાદું સપનું તો હોય...

સપના ને બાંધું હું હપ્તાની ખીંટીએ આપું કંઈ કેટલાય કારણ,

ઇચ્છાના જંગલમાં તોય વળી સપનાઓ રખડે છે થઈને વણઝારણ,

કોરી કટ આંખોમાં સંતાડી રાખેલાં આંસુને પડવું તો હોય,

એકાદું સપનું તો હોય…

જીવન મારું છે જાણે ટકોરો કોઈ અણજાણ્યા દરવાજે દીધો,

ઉઘડે તો મળતો અપમાની ઘૂંટડો પણ સરબત સમજીને રોજ પીધો,

માથું ઝુકાવીને ઉભેલા માણસને અંદરથી લડવું તો હોય

એકાદું સપનું તો હોય...

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ