mara phalinan jhaDwan be - Geet | RekhtaGujarati

મારા ફળીનાં ઝાડવાં બે....

mara phalinan jhaDwan be

દેવજી રા. મોઢા દેવજી રા. મોઢા
મારા ફળીનાં ઝાડવાં બે....
દેવજી રા. મોઢા

મારા ફળીનાં ઝાડવાં બે હતાં કરતાં એક દિ’ વાતો!

એક કહે: હદ થાય હવે, નહીં ભાંડુ વિજોગ ખમાતો!

ચાલને, આંહીંથી ચાલતાં થાયેં

આઘાં આઘાં વંનમાં જાયેં

બીજું કહે: એમાં જીવનું જોખમ, નિત આવે કઠિયારા,

આવી ઓચિંતાના ચલવે આપણા પર કુઠારના મારા;

જોકે મરવું કોઈ ટાળે,

તો યે મરવું શીદ અકાળે?

પે’લું કહે: અહીં દન ખૂટે તો પાછી ખૂટે રાત;

અહીં અટૂલું એકલું લાગે, તહી તો આપણી નાત!

ચાલને, આપણે ચાલતાં થાયેં

આઘાં આઘાં વનમાં જાયેં!

બીજું કહે: જેણે જાત ઘસીને આપણને જળ પાયાં,

એમને ક્યારે આપશું આપણાં ફળ ને આપણી છાયા?!

હું તો કહું: અહીં રોકાઈ જાયેં,

એના ચૂલામાં ઈંધણાં થાયેં!

સ્રોત

  • પુસ્તક : વનશ્રી (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : દેવજી રા. મોઢા
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
  • વર્ષ : 1963