સ્વમાન
svaamaan
કૃષ્ણલાલ શ્રીધરાણી
Krushnalal Shridharani

માન તમારે હાથ ન સોંપ્યું;
કેમ કરી અપમાનશો?
વજ્ર સમું અણભેદ હૃદય આ,
શર સૌ પાછાં પામશો.
ઘન ગરજે, વાયુ ફૂંકાયે,
વીજળી કકડી ત્રાટકે;
બાર મેઘ વરસી વરસીને
પર્વત ચીરે ઝાટકે – માન0
હિમાદ્રિ અમલિન સુહાસે,
ઊભો આભ અઢેલતો;
આત્મા મુજ તમ અપમાનોને
હાસ્ય કરી અવહેલતો. – માન0
રેતી કેરા રણ ઉપર ના
બાંધ્યાં મ્હેલ સ્વમાનના;
શ્રદ્ધાના અણડગ ખડકો પર
પાયા રોપ્યા પ્રાણના!
માન તમારે હાથ ન સોંપ્યું,
કેમ કરી અપમાનશો?
વજ્ર સમું અણભેદ હૃદય આ,
શર સૌ પાછાં પામશો.



સ્રોત
- પુસ્તક : સોનાની ગાડી, રૂપાના પાટા (પૃષ્ઠ ક્રમાંક 17)
- સંપાદક : તૃષિત પારેખ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2006