suudii vachche sopaarii - Geet | RekhtaGujarati

સૂડી વચ્ચે સોપારી

suudii vachche sopaarii

વિનોદ જોશી વિનોદ જોશી
સૂડી વચ્ચે સોપારી
વિનોદ જોશી

સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો

કણબણ માગે ગલગોટો ને

કણબણ માગે ગલગોટો ને

કબણી દે ધતૂરો.

સૂડી વચ્ચે સોપારી ને...

તારલિયાનો તાકો ખોલે આંખલડી અધીરી,

ચાંદાના ચંદરવામાંથી બીજલડીને ચીરી.

આઠમ દેશે અડધોપડધો પૂનમ દેશે પૂરો,

ભોળું ભોળું હાંફે એને

ભોળું ભોળું હાંફે એને

પાલવમાં ઢબૂરો.

સૂડી વચ્ચે સોપારી ને...

ઝાકળનાં ઝાંઝરિયાં પહેરી ઊભી રે ચમેલી,

આળસ મરડી અડખેપડખે જોતી ઘેલીઘેલી.

મીઠો લાગે માથલડે ને તળિયે લાગે તૂરો,

ચાવ્યો કાચો આંબલિયો ને

ચાવ્યો કાચો આંબલિયો ને

ચડ્યો રે ડચૂરો.

સૂડી વચ્ચે સોપારી ને...

સ્રોત

  • પુસ્તક : ઝાલર વાગે જૂઠડી (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : વિનોદ જોશી
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : ચોથી આવૃત્તિ