nahin bolun - Geet | RekhtaGujarati

નહીં બોલું

nahin bolun

લાલજી કાનપરિયા લાલજી કાનપરિયા
નહીં બોલું
લાલજી કાનપરિયા

સોઈ ઝાટકીને કહું છું કે નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું રે,

હવે અંતરની ગઠરીને નહીં ખોલું, નહીં ખોલું, નહીં ખોલું રે.

પારકાની સાથે શી કરવી પંચાત?

એળે ગયા છે મારા જન્મારા સાત.

હું તો લાગણીને નક્કામી નહીં છોલું, નહીં છોલું, નહીં છોલું રે,

સોઈ ઝાટકીને કહું છું કે નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું રે.

આભલામાં એકલો રમતો સૂરજ,

ઝળકે છે કોટ, કાંગરાં ને બુરજ.

હું તો ઉછીનાં અજવાળાં નહીં ઝીલું, નહીં ઝીલું, નહીં ઝીલું રે,

સોઈ ઝાટકીને કહું છું કે નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું રે.

હવે દાવ નથી એક પણ ખેલવો જી,

હવે જીવને ના નોધારો મેલવો જી.

હવે ઢૂંકડુંય ફરકે નહીં ઝોલું, નહીં ઝોલું, નહીં ઝોલું રે,

સોઈ ઝાટકીને કહું છું કે નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું રે.

સ્રોત

  • પુસ્તક : નવા ચંદ્રની કૂંપળ (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સર્જક : લાલજી કાનપરીયા
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 1999