સૂની વસંત
suni vasant
સુરેશ દલાલ
Suresh Dalal
સુરેશ દલાલ
Suresh Dalal
ક્યાં છે કોકિલનો મીઠેરો ટહુકો રે રાજ?
મારે સૂની વસંત નહીં જોઈએ :
આવી અણગમતી વાત તમે મૂકો રે આજ :
મારે સૂની વસંત નહીં જોઈએ!
ભલે ડોલે છે ડાળ છતાં ફૂલો ઉદાસ :
કૂણી પાંદડીની પાળ નહીં તોડે સુવાસ.
ફૂલે ભમરા પણ ઝૂકે છે સમજી રિવાજ :
મારે સૂની વસંત નહીં જોઈએ!
વાઈ રહે એવી અહીં વાયુની લ્હેરખી
થાય એમ જીવી શાને શિશિરના ઝેરથી?
પિયુ પાસે ને તોય આઘેરા આજ :
મારે સૂની વસંત નહીં જોઈએ!
મેં તો જોયો છે ફાગુનનો માદક મિજાજ!
મારે સૂની વસંત નહીં જોઈએ!
સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં : સુરેશ દલાલ (પૃષ્ઠ ક્રમાંક 13)
- સંપાદક : નિરંજન ભગત
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ, ભાવનગર
- વર્ષ : 1980
