sukhaD ane bawal - Geet | RekhtaGujarati

સુખડ અને બાવળ

sukhaD ane bawal

વેણીભાઈ પુરોહિત વેણીભાઈ પુરોહિત
સુખડ અને બાવળ
વેણીભાઈ પુરોહિત

સુખનાં સુખડ જલે રે

મારા મનવાં!

દુઃખનાં બાવળ બળે—

બળે રે જી....દુ:ખનાં બાવળ બળેo

સુખડ જલે ને થાય ભસમની ઢગલી ને

બાવળના કોયલા પાડે—

મારા મનવા!

તરસ્યા ટોળે વળે.

વળે રે જી....દુ:ખનાં બાવળ બળેo

કોઈનું સુખ ખટરસનું ભોજન,

કોઈ મગન ઉપવાસે:

કોઈનું સુખ દુનિયાદારી,

કોઈ મગન સંન્યાસે:

રે મનવા!

કોઈ મગન સન્યાસે:

સુખનાં સાધન ને આરાધન

લખ ચકરાવે ચડે....

ચડે રે જી...તરસ્યા ટોળે વળેo

કોઇ પરમારથમાં સુખ શોધે,

કોઈ પરદુ:ખે સુખિયા:

ભગત કરે ભગતીનો ઓછવ,

કોઇ મંદિરના મુખિયા:

રે મનવા!

કોઇ મંદિરના મુખિયા:

સમદુખિયાંનો શભુમેળો

ભવમાં ભેગો મળે,

મળે રે જી....લખ ચકરાવે ચડેo

રંગવિલાસી ભોગી દીઠા,

જોગી બ્રહ્મ-વિલાસી:

પામર સુખ, અજરામર સુખના

સહુને દીઠા પ્યાસી:

રે મનવા!

સહુને દીઠા પ્યાસી:

બધા ઝઝૂમે-

બધા ઝઝૂમે ઝંખી-ડખી

સળગે કે ઝળહળે,

હળે રે જી....ભવમાં ભેગા મળેo

સુખનાં સુખડ જલે રે

મારા મનવા!

દુ:ખનાં બાવળ બળે.

સ્રોત

  • પુસ્તક : સિંજારવ (પૃષ્ઠ ક્રમાંક 123)
  • સર્જક : વેણીભાઈ પુરોહિત
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી લિ.
  • વર્ષ : 1955