સુડલો કોયલડીને વિનવે રે (માંડવા મુહુરત વેળા ગાવાનું ગીત)
Sudalo Koyaladine Vinave Re (Mandava Muhurat Vela Gava nu Geet)
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
સુડલો કોયલડીને વિનવે રે;
કહો કહો કેણે ઉત્તમ આજ,
ને કેને કાજ મંડપ મોટો માંડિયો રે.
મોટા મોટા જન ત્યાં મળ્યારે;
કોણ કોણ સજન સમાજ,
રાજા અધિરાજ, મંડપ મોટો માંડિયો રે.
કોયલ કહે સુડા સાંભળોરે, કનકાજી છે સરદાર,
તેને દરબાર, મંડપ મોટો માંડિયોરે;
પરણે સાહેબજાદી તેમનીરે, ઇંદ્રપુરીને આકાર,
શોભિત બહુ સાર, મંડપ મોટો માંડિયોરે.
જોવા જેવી જુગતી તણોરે; ઠાઠ બન્યો છે તે ઠામ,
મચી ધુમધામ, મંડપ મોટો માંડિયોરે;
મોટા મોટા જન જે મળ્યારે, કહું તેનાં નિર્મળ નામ,
કરીને પ્રણામ, મંડપ મોટો માંડિયોરે.
રાજાધિરાજ મેઘરાજજીરે; આવિયા ત્યાં આપોઆપ,
છે પ્રૌઢ પ્રતાપ, મંડપ મોટો માંડિયો;
સાથે પવન ભાઈ પધારિયારે, જેને દીવાનની છાપ,
પોતે છે નિષ્પાપ, મંડપ મોટો માંડિયોરે.
પ્રવાહ ભાઈ નગરશેઠિયારે; જળમધ્યે જેની શેઠાઇ;
ઘણી વખણાઈ, મંડપ મોટો માંડિયોરે;
કનકોરાણો સર્વને મળ્યોરે; વળી મળ્યા ધનપાળભાઈ,
સંભારી મિત્રાઇ, મંડપ મોટો માંડિયોરે.
સહુ જન ખુબ ખુશી થયા રે; રચના રચેલી રૂપાળી,
નયનથી નીહાળી, મંડપ મોટો માંડિયોરે;
બહુ રૂડાં શોભે છે બારણાંરે, માંડ્યા છે થંભ પ્રવાળી,
કુંભી રતનાળી, મંડપ મોટો માંડિયોરે.
મોટા મેગળ ઝુલે આંગણેરે, સૂંઢે શોભે છે સિંદૂર,
છે મદ ભરપૂર, મંડપ મોટો માંડિયોરે;
દંતુસળે ચુડી હેમનીરે, નિરખીને હાથીનું નુર,
હરખ વધે ઉર, મંડપ મોટો માંડિયોરે.
જોવાને જુગતિ મંડપતણી, જન વૃદ્ધ બાળ તમામ,
મળ્યું આખું ગામ, મંડપ મોટો માંડિયોરે;
જોઈ જોઈ બલીહારી જાય છે રે, દીલથકી દલપતરામ,
કરવું એવું કામ, મંડપ મોટો માંડિયોરે.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 144)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
