સોળ વરસની છોકરીનું ગીત
sol varasnii chhokriinun geet
વિજય રાજ્યગુરુ
Vijay Rajyaguru
સૂરજના હાથમાં ઘોડાની રાશ છે, ખુલ્લું આકાશ છે,
મદમાતો વાયરો ય વાય છે!
ઝાંઝર ઝણકાવતી ફળિયાની લીમડી ડુંગરનો ઢાળ ચડી જાય છે!
ફળિયાની બ્હાર કૈં પડછાયો જાય નહિ આસપાસ વંડીની ચોકી,
ડુંગરના ઢાળ પર પડછાયો તરબતર કોઈ ન શકે લગાર રોકી,
જોબન છલકાવતી ફળિયાની લીમડી ડુંગરનો ઢાળ ચડી જાય છે!
ઝાંઝર ઝણકાવતી ફળિયાની લીમડી ડુંગરનો ઢાળ ચડી જાય છે!
ફળિયામાં વાયરો, ડાપણનો ડાયરો, ઓઢણી ખસેડતાંય બીતો,
ડુંગર પર જોરથી, ભીંસે ચોમેરથી, પાંદડીને આરપાર પીતો,
મોઢું મલકાવતી, ફળિયાની લીમડી વાયરાને વળગીને ગાય છે!
ઝાંઝર ઝણકાવતી ફળિયાની લીમડી ડુંગરનો ઢાળ ચડી જાય છે!
સૂરજના હાથમાં ઘોડાની રાશ છે, ખુલ્લું આકાશ છે,
મદમાતો વાયરો ય વાય છે!
ઝાંઝર ઝણકાવતી ફળિયાની લીમડી ડુંગરનો ઢાળ ચડી જાય છે!
સ્રોત
- પુસ્તક : ચાલ, પલળીએ! (પૃષ્ઠ ક્રમાંક 13)
- સર્જક : વિજય રાજ્યગુરુ
- પ્રકાશક : રવિ મંગલ પ્રકાશન
- વર્ષ : 2000