je anand tane smarwaman - Geet | RekhtaGujarati

જે આનંદ તને સ્મરવામાં

je anand tane smarwaman

ઉશનસ્ ઉશનસ્
જે આનંદ તને સ્મરવામાં
ઉશનસ્

જે આનંદ તને સ્મરવામાં તે નહિ બીજે ક્યાંહીં,

હે પ્રિયતમ, મારું આટલડું સુખ હરી લીજે નાહીં.

કોઈ દીયે નીકળી આવે તું

રૂમઝૂમ મારે દ્વારે.

મને ગમે: પકડાઈ જાઉં

અઁસવનના શણગારે;

જે આનંદ તને મળવામાં એવી કો ક્ષણમાંહી....

જે આનંદ તને સ્મરવામાં તે નહિ બીજે ક્યાંહીં.

તું સૌથી મોહક છો પ્રીતમ,

તુંહિ સૌથી અભિરામ,

નામ તિહારું ‘રૂપ દુર્લભ',

‘તરસ’ અમારું નામ.

જે આનંદ રહ્યો ઝૂરવામાં જનમમરણ લયવાહી.....

જે આનંદ તને સ્મરવામાં તે નહિ બીજે ક્યાંહીં.

વિરહ નામની પ્રીત તિહારી

મળી છે, હું બડભાગી,

હું વ્યાકુલ વૈષ્ણવ તવ અવિરત

નામજપન અનુરાગી.

જે આનંદ મને મરવામાં અબઘડી, આમ જ, આંહીં...

જે આનંદ તને સ્મરવામાં તે નહિ બીજે ક્યાંહીં.

(૧૦-પ-૭૬)

સ્રોત

  • પુસ્તક : ઉશનસ્ સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 578)
  • સર્જક : ઉશનસ્
  • પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
  • વર્ષ : 1996