sitar kari didhi! - Geet | RekhtaGujarati

સિતાર કરી દીધી!

sitar kari didhi!

વીરુ પુરોહિત વીરુ પુરોહિત
સિતાર કરી દીધી!
વીરુ પુરોહિત

મારી કાચા કપાસ સમી કામના,

સાળવી! તેં તાણીને તાર કરી દીધી!

કોઈ ન’તું જાણતું કે જીંડવામાં સૂતું છે

ભાવુ શૃંગાર તણું સપનું,

તકલીમાં ફેરવાતી હું ને વળ ચઢતાં હું

ભૂલતી’તી ભાન મારા કદનું;

મને મોરપિચ્છ, કેકેથી આળખીને પળમાં

નેં નમણી વણઝાર કરી દીધી!

મારી કાચા કપાસ સમી કામના,

સાળવી! તેં તાણીને તાર કરી દીધી!

એકાદું ફૂલ કિંવા એકાદી વેદનાનું

સુખ-દુઃખનું અમને પણ ભાન હો!

દર્પણમાં ખુદનું સ્વરૂપ જોઈ થાતું

કે વાણીનું અમને વરદાન હો!

હું તો તુંબી અબોલ હતી યુગથી

તેં આંગળના સ્પર્શે સિતાર કરી દીધી!

મારી કાચા કપાસ સમી કામના,

સાળવી! તેં તાણને તાર કરી દીધી!

સ્રોત

  • પુસ્તક : અગિયારમી દિશા (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સર્જક : વીરુ પુરોહિત
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2000